|
ચોપાઈ
|
|
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
|
|
૧
|
વર્ષ હવે આ પૂરું થાય, જીવન જોતાં જોતા જાય,
|
|
તે ઉપરથી લઈએ બોધ, વર્ષ નવામાં સતની શોધ;
|
|
ઈશ્વરનો માનો આભાર, આખું વર્ષ થયો આધાર,
|
|
વેળા વેળે આપ્યું અન્ન, તૃપ્ત કર્યું છે સહુનું મન.
|
|
૨
|
આત્માને પણ આત્મિક અન્ન, સૌ કરતાં એ અદકું ધન,
|
|
જે કંઈ આફત આવી શિર ખાળીને બહુ આપી ધીર;
|
|
અગણિત ઈશ્વરના ઉપકાર કીધા તેણે વારંવાર,
|
|
તે સંભારી તેને કાજ જીવન અર્પો તેને આજ.
|
|
૩
|
વર્ષો વીતી કેવાં જાય, આયુષ્ય સહુનું ઓછું થાય,
|
|
નાનાં મોટાં ઘરડાં થાય, મરણ તણે સહુ કાંઠે જાય;
|
|
જીવન ધૂમર જેવું જાણ, તાપ પડે કે નહિ એધાણ,
|
|
સહુનું જીવન જગમાં શેષ, માનો ઈશ્વરનો ઉપસેશ.
|
|
૪
|
વર્ષ નવું જે બેસે કાલ તેમાં ઈશ્વર અમને પાળ,
|
|
ઈસુની જે રુડી ચાલ તેમાં સહુનાં પગલાં વાળ;
|
|
પહોળો રસ્તો તજવા નિત પાપવિકારો પર દે જીત,
|
|
જીવનનો જે રસ્તો તંગ નિત્ય નિભાવવા રહેજે સંગ.
|